નર્મદ
નર્મદ, મૂળ નામ નર્મદશંકર લાલશંકર દવે (૨૪ ઓગસ્ટ ૧૮૩૩- ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.
પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.
૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
મારી હકીકત (૧૯૩૩)
મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.
નર્મકોશ (૧૮૭૩)
કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી આ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે[૨] અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ ઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, તદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.
આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું
No comments:
Post a Comment