ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૯૮૯ માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે ૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે-૧૮૯૭-૯૮-માં-સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.વિશેષપણે પ્રેમના અને
એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી
કલાપીની કવિતા
મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને
ગઝલો જેવા
આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા
કેટલેક અંશે
ખંડકાવ્ય જેવા
પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી
છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની
ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને
ઊર્મિવિચારનું મનોરમ
આલેખન આગવી
મુદ્રા આંકે
છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે
તથા કેળવણીનો પૂરતો
લાભ ન પામવાને લીધે
એમની કવિતામાં રચનાની શિથિલતા અને
બાનીની અતિસરલતા તથા
ગદ્યાળુતા જણાય
છે; ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી
સિદ્ધ કરી
શકાઈ નથી;
પણ હૃદયંગમ ચિંતનશીલતા અને
ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની
કવિતાને હૃદ્ય
બનાવે છે.
છેલ્લાં વર્ષોમાં એમની
કવિતામાં પ્રૌઢિ જણાય
છે. ‘કલાપીનો કેકારવ’ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર
સર્ગના ‘હમીરજી ગોહેલ’ના ત્રણ
સર્ગોને ૧૯૧૨
માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ
કરેલા. સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’
ના સ્વરૂપને આધાર
તરીકે રાખી
૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર
સર્ગે પણ અધૂરું જ રહ્યું છે.
No comments:
Post a Comment